Method - રીત
બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો. રીંગણના પણ રવૈયા ભરવાં. રતાળું અને શક્કરિયાંને છોલી, મોટાં કટકા કરવા. ટામેટાના બારીક કટકા કરવા.
પાપડીની નકસ કાઢી, બે ભાગ કરી, સડેલી કાઢી નાંખવી. પાકટના દાણા કાઢવા તેમાં તુવેરના લીલવા મીક્સ કરવા તેને ધોઈ મીઠું, 1 ચમચી સોડા અને અજમો નાંખી પાપડી ચોળવી. બટાકા, શક્કરિયાં અને રતાળુંના કટકાને મીઠું અને સોડા નાંખી, રગદોળી, તૈયાર રાખવા. એક મોટી તપેલીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, પાપડી-તુવેરના લીલવા વઘારવા. 1/2 કપ દૂધ નાંખવું. કારણ કે દૂધ નાંખવાથી દાણા સુંવાળા થાય છે. બરાબર મિક્સ કરી ઢાંકી દેવું. ઢાંકણ ઉપર પાણી રાખવું. પાંચ મીનીટ પછી રતાળું – શક્કરિયાંના કટકા મૂકવા. પછી તેના ઉપર બટાકા-રીગણાના રવૈયા ગોઠવી, ટામેટાના કટકા મૂકવા. ખૂબ જ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને શાક ચઢવા દેવું. પાપડી અને શાક બફાવા અાવે એટલે ખાંડ અને મૂઠિયાં મૂકી દેવાં. થોડી વાર પછી પાકેલાં કેળાના બે કટકા કરી રવૈયાં ભરી મૂકવા અને લીલો મસાલો જે વધ્યો હોય તે ભભરાવી દેવો. બરાબર સિઝાઈને તેલ નીકળે એટલે ઉતારી લેવું.
નોંધ – ઓછા તેલમાં ઊંધિયું બનાવવું હોય તો પાપડી, તુવેર, રવૈયા અને શક્કરિયાં-રતાળુંના કટકાને વરાળથી બાફી, પછી ઉપર પ્રમાણે તપેલામાં ભરવું.